દેશમાં ફાર્મસી કૉલેજોની દેખરેખના નામે ચાલતી વહીવટી હેરાનગતિ અને સત્તા બહારના દરોડા પર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ મોટો પ્રહાર કર્યો છે. એકવાર શરૂઆતનું NOC આપ્યા બાદ રાજ્ય સરકારો આ પ્રક્રિયામાંથી સંપૂર્ણપણે કાર્યમુક્ત થઈ જાય છે. માટે હવેથી કોઈપણ ખામી જણાયે રાજ્યોએ સીધા દરોડા પાડવાને બદલે PCIને જ લેખિત ફરિયાદ કરવી પડશે.

નીતિ વિષયક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

PCI દ્વારા દેશની તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પ્રવેશ સમિતિઓ માટે નીતિ વિષયક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.જેમાં સ્પષ્ટ કર્યું છે કે ઘણી યુનિવર્સિટીઓ અને રાજ્યના સત્તાધિકારીઓ ફાર્મસી કાઉન્સિલની મંજૂરી મળી ગયા પછી પણ સંસ્થાઓમાં બિનજરૂરી તપાસ અને નિરીક્ષણો હાથ ધરે છે જે સંપૂર્ણ કાયદાકીય સત્તા વિના અને ગેરકાનૂની છે.ભવિષ્યમાં આવા બિનજરૂરી કાનૂની વિવાદો ટાળવા માટે કાઉન્સિલે રાજ્યોને કડક શબ્દોમાં પુન:નિરીક્ષણ ન કરવા સૂચના આપી છે.

ઈન્સ્પેક્શન કરવાની કોઈ વૈધાનિક સત્તા રહેતી નથી

PCIએ પોતાના આદેશમાં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચ અને કર્ણાટક હાઈકોર્ટના તાજેતરના ચુકાદાઓ ટાંક્યા છે.અદાલતોએ ઠરાવ્યું છે કે જો કાયદો કોઈ ચોક્કસ વસ્તુ ચોક્કસ રીતે જ કરવાનું કહે છે તો તે જ રીતે થવી જોઈએ.નવી કૉલેજ શરૂ કરવા માટે પ્રારંભિક તબક્કે રાજ્ય સરકારનું ના-વાંધા પ્રમાણપત્ર અને યુનિવર્સિટીનું જોડાણ જરૂરી છે. પરંતુ એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને કૉલેજ શરૂ થઈ જાય, તે પછી રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ કે અન્ય સત્તાધિકારીઓ પાસે દરોડા પાડવાની કે ઈન્સ્પેક્શન કરવાની કોઈ વૈધાનિક સત્તા રહેતી નથી.


આ પણ વાંચોઃ Gujarat News: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો 1500 રૂપિયાનો દંડ