વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર બેફામ દોડતા વાહન ચાલકો તેમજ ટૂંકા સમયમાં અકસ્માતોની વણઝાર વચ્ચે એનએચએઆઈ અને આરટીઓ દ્વારા એક્સપ્રેસ વે ઉપર વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. એનએચએઆઈ સૂત્રો અનુસાર એક્સપ્રેસ વે પર 120થી વધુ ગતિએ દોડતા કાર ચાલકોને વરુણીમાં લેવા 1500 રૂપિયાનું ચલાણ હવે ઓનલાઈન વાહન ચાલકોના મોબાઈલ પર જ આવી જશે. 10 જાન્યુઆરીથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ને બંને દિશા માટે ખુલ્લો મૂકાયો છે.

મોબાઈલ ઉપર 1500 રૂપિયા ચલાણનો મેસેજ આવશે

આ 8 લેનના એક્સપ્રેસ વે પર બંને દિશામાં વાહનચાલકો સ્પીડ અંતર નહીં જાળવતા હોવાથી પાંચ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ઉપરોક્ત એક્સપ્રેસ વે પર 60 જેટલા અકસ્માતોમાં 10થી વધુ લોકોનાં મોત થયા છે. અકસ્માતોની આ વણઝારને નિયંત્રણમાં લેવા એનએચએઆઈ અને આરટીઓ દ્વારા નવસારીનાં ગણદેવાથી વડોદરા સુધી એક્સપ્રેસ વે પર વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાડાઈ છે.પ્રત્યેક 10 કિ.મી.એ સ્પીડ ચકાસવા બંને દિશામાં 10 કેમેરાઓ લગાડાયા છે.ઓવર સ્પીડિંગ વાહનચાલકોને મોબાઈલ ઉપર 1500 રૂપિયા ચલાણનો મેસેજ આવી જશે.

વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાડી

ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નાઇઝર અને વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાડી બેફામ દોડતા વાહનચાલકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં કારચાલકો માટે 120ની અને બસ અને ટ્રક માટે 100ની સ્પીડ ઉપરાંત 4 એક્સએલથી મોટા વાહનો માટે 80ની સ્પીડ નક્કી કરાઈ છે.10 કિ.મી.ની એક એન્ટ્રી પર 1500 રૂપિયા ચલાણ આવ્યા પછી પણ બીજી એન્ટ્રી ઉપર પણ આજ સ્પીડ યથાવત રહેશે તો બે હજારનો દંડ વસૂલાશે.

આ પણ વાંચોઃ PM Modi Netherlands Visit: ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે થયા મહત્વના કરાર