ભારતના વિકાસને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. PM નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડ્સના વડાપ્રધાન રોબ જેટેન (Mr. Rob Jetten) સાથે ત્યાંના જગપ્રસિદ્ધ એન્જિનિયરિંગ અજાયબી સમાન અફસ્લુઈટડિજક (Afsluitdijk) ડાઈકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે જળ વ્યવસ્થાપન, ક્લાઈમેટ રેઝિલિઅન્સ અને ટકાઉ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાતના મહત્વકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે થયા કરાર

આ મુલાકાત દરમિયાન ગુજરાતના વિઝનરી અને અત્યંત મહત્વકાંક્ષી 'કલ્પસર પ્રોજેક્ટ' (Kalpasar Project) માટે એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. ભારતના જલ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે ટેકનિકલ સહયોગ માટેના લેટર ઓફ ઈન્ટેન્ટ (Letter of Intent) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ભાગીદારીથી ગુજરાતમાં એડવાન્સ હાઈડ્રોલિક એન્જિનિયરિંગ, મીઠા પાણીનું સંરક્ષણ, પૂર નિયંત્રણ અને સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નવી તકોના દ્વાર ખુલશે.

અફસ્લુઈટડિજક અને કલ્પસર પ્રોજેક્ટનું સામ્યતા અને વિઝન

નેધરલેન્ડ્સનો અફસ્લુઈટડિજક ડેમ વોટર એન્જિનિયરિંગ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે એક બેન્ચમાર્ક માનવામાં આવે છે, જેણે સમુદ્રના પડકારોને તકોમાં બદલી નાખ્યા છે. બરાબર આ જ વિઝન સાથે ગુજરાતનો કલ્પસર પ્રોજેક્ટ પણ ખંભાતના અખાતમાં એક વિશાળ મીઠા પાણીનું જળાશય બનાવવાની કલ્પના ધરાવે છે. આ પ્રોજેક્ટ આગામી સમયમાં ગુજરાત માટે સિંચાઈ, જળ સુરક્ષા, ભરતી ઊર્જા (Tidal Energy), કનેક્ટિવિટી અને પ્રાદેશિક વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

વૈશ્વિક ટેકનોલોજીથી ભારતનું ભવિષ્ય સુરક્ષિત બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રયાસથી દેશમાં ગ્લોબલ એક્સપર્ટાઈઝ અને ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીનો સમન્વય થશે. પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ, ભારત આવનારી પેઢીઓ માટે જળ-સુરક્ષિત અને ક્લાઈમેટ-રેઝિલિઅન્ટ ભવિષ્યના નિર્માણ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના કાયાકલ્પ માટે નેધરલેન્ડ્સનો આ ટેકનિકલ સહયોગ ભારતની વિકાસ યાત્રાને વધુ વેગ આપશે.


આ પણ વાંચો -  PM મોદીએ ડચ ડેમની મુલાકાત લીધી, કહ્યું 'નેધરલેન્ડ્સ પાસેથી વોટર મેનેજમેન્ટ શીખવા જેવું છે'