દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં ચોથી વખત ભાવમાં વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2.71નો વધારો કરવામાં આવ્યો છે. 15 મેથી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધારો ઝિંકાયો છે. ઈંધણમાં થઈ રહેલા ભાવ વધારાને કારણે દેશની પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ સહન કરવો પડ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
દેશમાં ગત 15મી મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો થયો હતો. 19 મેના રોજ 90 પૈસાનો વધારો કરાયો હતો. જ્યારે 23મી મેના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો કરાયો હતો. જ્યારે આજે પેટ્રોલમાં લીટરે 2.61 રૂપિયાનો વધારો જ્યારે ડિઝલમાં લિટરે 2.71 રૂપિયાનો વધારો થયો છે. 10 દિવસમાં પેટ્રોલમાં રૂ.7.52નો વધારો અને ડીઝલમાં 10 દિવસમાં રૂ.7.63નો વધારો થયો છે.પેટ્રોલની કિંમતો રૂ.100ને પાર થઈ છે.ડીઝલની કિંમતો રૂ.96ને પાર થઈ છે.
ગુજરાતના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ
ગુજરાતના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો સુરતમાં ઈંધણના ભાવમાં તોતિંગ વધારો થયો છે. પેટ્રોલ પ્રતિ લિટર 2.60 રૂપિયા મોંઘું થયું છે. પેટ્રોલનો નવો ભાવ 99.27 રૂપિયા પ્રતિ લિટર થયો છે. ડીઝલના ભાવમાં લિટરે 2.79 રુ.નો વધારો થયો છે. ડીઝલનો નવો ભાવ 95.19 રુ. પ્રતિ લિટર છે. વડોદરામાં પેટ્રોલમાં રૂ.2.60નો વધારો થયો છે. જ્યારે નવો ભાવ 101.47 રૂપિયે લીટર થયો છે. ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. હાલનો ડીઝલનો ભાવ 94.78 રૂપિયે લીટર છે. અમદાવાદમાં પેટ્રોલ 101.38 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 97.92 પ્રતિ લીટર થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 101.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ નવો ભાવ 98.12 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
ઈંધણના ભાવ કેમ વધી રહ્યા છે?
કંપનીએ જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. ચોક્કસ સ્થળોએ જોવા મળતી કોઈપણ મુશ્કેલીઓ ફક્ત કામચલાઉ છે. ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર ચાલુ પાકની મોસમને કારણે ડીઝલની માંગમાં વધારો થયો છે. વધુમાં કેટલાક ખાનગી પેટ્રોલ પંપો પર ઊંચા ભાવને કારણે ગ્રાહકોએ રાજ્ય સંચાલિત પંપો તરફ વાળ્યા છે.મોટા સંસ્થાકીય ખરીદદારો પણ હાલમાં PSU પંપોમાંથી ઇંધણ ખરીદી રહ્યા છે, કારણ કે જથ્થાબંધ પુરવઠાના દર - જે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સાથે સંકળાયેલા છે તે નોંધપાત્ર રીતે ઊંચા છે. પરિણામે આ પરિબળોના સંયોજનને કારણે ચોક્કસ પ્રદેશોમાં માંગમાં અચાનક વધારો થયો છે.
આ પણ વાંચોઃ Delhiમાં ચાલુ કાર્યક્રમમાં અમેરિકી રાજદૂતને ડોનાલ્ડ ટ્રમ્પનો આવ્યો ફોન, કહ્યું 'આઈ લવ ઈન્ડિયા એન્ડ પીએમ મોદી'