મધ્યમ વર્ગ અને નોકરિયાત લોકો હજુ તો ગત દિવસોમાં થયેલા ભાવ વધારાના આંચકામાંથી બહાર આવ્યા નહોતા, ત્યાં જ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સવારથી નવો ભાવ વધારો અમલી બનાવી દીધો છે. આજના વધારાની સૌથી મોટી અસર એ છે કે ગુજરાતના બે મોટા મધ્યસ્થ હબ ગણાતા અમદાવાદ અને રાજકોટમાં પેટ્રોલની કિંમત ₹99 પ્રતિ લિટરને પાર થઈ ગઈ છે, જે હવે ₹100ની સપાટીથી માત્ર થોડા જ પૈસા દૂર છે.

અમદાવાદ અને રાજકોટની સ્થિતિ

અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૮૬ પૈસાનો વધારો થતાં નવો ભાવ ₹99.07 થયો છે, જે અગાઉ ₹98.21 હતો. જ્યારે ડીઝલમાં 94 પૈસાનો મોટો ઉછાળો આવતા નવો ભાવ ₹94.99 પર પહોંચ્યો છે. બીજી તરફ, રાજકોટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે. રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લિટરે 87 પૈસા મોંઘું થઈને ₹99.04 એ પહોંચ્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં 91 પૈસાનો વધારો નોંધાતા નવો ભાવ ₹95.41 પ્રતિ લિટર થયો છે.

જનતા પર મોંઘવારીનો બેવડો માર

સામાન્ય નાગરિકો માટે ચિંતાની વાત એ છે કે આ સપ્તાહમાં આ સતત ત્રીજી વખત ભાવ વધારવામાં આવ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવના કારણે શાકભાજી, દૂધ, કરિયાણું અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ લાવવા-લઈ જવાનો પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) ખર્ચ સીધો વધી જશે. વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા મુજબ, જો ડીઝલ આ જ રીતે મોંઘું થતું રહેશે તો આગામી દિવસોમાં બજારમાં દરેક વસ્તુઓ મોંઘી કરવી પડશે, જેનો સીધો માર ગરીબ અને સામાન્ય જનતાના ઘરના બજેટ પર પડવાનો છે.

આ પણ વાંચો:Ahmedabad: ગુજરાતના હવામાનમાં બેવડી ઋતુનો માર, આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી