વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ ફરી એકવાર ગુજરાત અને સંઘપ્રદેશ દમણના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદીના આ હાઇપ્રોફાઇલ પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન સુરત તેમજ દમણ-દાદરા નગર હવેલીની મુલાકાત લેશે અને બંને સ્થળો પર યોજાનારી ભવ્ય જાહેર સભાઓને સંબોધિત કરશે. આ મુલાકાતથી દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશના વિકાસને નવી ગતિ મળશે.
એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે વિધિવત લોકાર્પણ
આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ દમણમાં બનેલું નવું સિવિલ એરપોર્ટ છે. અંદાજે રૂ. 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક ડોમેસ્ટિક એરપોર્ટનું વડાપ્રધાનના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવશે. આ એરપોર્ટ શરૂ થવાથી દમણ, દીવ અને ગુજરાતના વાપી સહિતના ઔદ્યોગિક વિસ્તારોને સીધી એર કનેક્ટિવિટી મળશે, જેનાથી પ્રવાસન અને સ્થાનિક ઉદ્યોગોને મોટો ફાયદો થશે. પ્રાથમિક તબક્કે અહીંથી દિલ્હી, મુંબઈ અને અમદાવાદ માટેની ફ્લાઈટો શરૂ કરવાનું આયોજન છે.
