આજે વડાપ્રધાન મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ રાજ્યમાં 19800 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ કોબા તીર્થ જવા માટે રવાના થયા હતાં. તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતાં.ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે ઈતિહાસ, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો પવિત્ર સંગમ રચતા સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. તેમણે પ્રદર્શન સ્થળની મુલાકાત લીધી હતી અને મહારાજ સાહેબના આશિર્વાદ પણ મેળવ્યા હતાં.

સંસ્કૃતિ અને કળા વિશે જાણવાની પ્રેરણા આપશે

આ ભવ્ય મ્યુઝિયમનું નિર્માણ ટોરેન્ટ ગ્રુપના યુ.એન.એમ.ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી કરવામાં આવ્યું છે.ફાઉન્ડેશને આ પ્રોજેક્ટના નિર્માણમાં આર્થિક સહયોગ આપવાની સાથે-સાથે મ્યુઝિયમના ભાવિ સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી પણ સ્વીકારી છે.આ ઐતિહાસિક મ્યુઝિયમ નિર્માણના સ્વપ્નને સાકાર કરવામાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર,કોબાના પ્રમુખ અને ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ મુખ્ય ભૂમિકા ભજવી છે.તેમણે કહ્યું કે આ સ્વપ્નને આકાર લેતા જોવું અત્યંત સંતોષદાયક છે.આ મ્યુઝિયમ આપણા સહિયારા વારસાની દીવાદાંડી બનશે અને આવનારી પેઢીઓને ભારતની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને કળા વિશે ઊંડાણપૂર્વક જાણવાની પ્રેરણા આપશે.

અમૂલ્ય સાંસ્કૃતિક અવશેષોને સ્થાન અપાયું

આ મ્યુઝિયમ જૈન ધર્મની મહાન વિભૂતિ અને અહિંસાના પ્રચારક, સમ્રાટ અશોકના પૌત્ર એવા સમ્રાટ સંપ્રતિ મહારાજના પ્રેરણાદાયી જીવન અને મૂલ્યોને સમર્પિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરનાર મ્યુઝિયમ ભાવી પેઢીને માટે પ્રેરણા સ્વરૂપ બની રહેશે.મ્યુઝિયમમાં ઈ.સ.પૂર્વે 200ના સમયથી લઈને ભારતની આધ્યાત્મિક પરંપરાને સાત ભવ્ય ગેલેરીઓમાં પ્રદર્શિત કરાઈ છે.રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના માર્ગદર્શન હેઠળ નિર્મિત આ મ્યુઝિયમમાં તેમણે 6 દાયકાની પદયાત્રા દરમિયાન સંકલિત કરેલા અમૂલ્ય સાંસ્કૃતિક અવશેષોને સ્થાન અપાયું છે.આ મ્યુઝિયમ શાળાના બાળકો, સંશોધકો અને ઈતિહાસપ્રેમીઓ માટે ભારતની ગૌરવશાળી પરંપરા સમજવા માટેનું અનન્ય સ્થળ બનશે.

12.45 કલાકે સાણંદ ખાતે જશે

ત્યારબાદ બપોરે 12.45 કલાકે સાણંદ ખાતે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે તેઓ ‘કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટ’નું ઉદ્ઘાટન કરશે. સાંજે ૪ કલાકે નાણી ગામ, વાવ (થરાદ) ખાતે રૂ.૧૯,૮૦૦ કરોડથી વધુના વિવિધ વિભાગોના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ઉત્તર ગુજરાતના વિકાસને વધુ ગતિ આપશે અને સાંજે ૫:૦૫ કલાકે ડીસા એરપોર્ટથી આસામ જવા રવાના થશે.


આ પણ વાંચોઃ Vav Tharad News: નાણી ગામ ખાતેથી 19800 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે, PM મોદી સભા સંબોધશે