અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા એક અભૂતપૂર્વ અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ પોતે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું ધ્યાન પર આવતા, ગત તા. 02/01/2026 ના રોજ શહેરની તમામ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આ ખાસ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર વાહન ચલાવતા, કારમાં ડાર્ક ફિલ્મ લગાડનારા અને નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદો સૌના માટે સમાન છે તેવો સંદેશ પહોંચાડવાનો હતો.
હેલ્મેટ વગરના 1200થી વધુ કેસ
આ ઝુંબેશના આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે, જેમાં કુલ 1330 થી વધુ કેસો નોંધવામાં આવ્યા છે. સિવિલિયન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ 1250 કેસ કરી રૂ. 5,77,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાહનો ડિટેઈન કરાયા હતા. બીજી તરફ, શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના 80 કર્મચારીઓ પણ નિયમભંગ કરતા ઝડપાયા હતા, જેમની પાસેથી રૂ. 38,800નો દંડ વસૂલાયો હતો. સૌથી વધુ કેસો હેલ્મેટ વગરના નોંધાયા હતા. પોલીસ કમિશનરની આ કડક કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને નિયમોનું પાલન ન કરનારા 'બાબુઓ' હવે પોલીસની રડારમાં આવી ગયા છે.













