ઉત્તરાયણના તહેવાર પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. અમદાવાદ ગ્રામ્ય SOG એ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા, કરોડો રૂપિયાની ચાઈનીઝ દોરીના ઉત્પાદન સાથે સંકળાયેલા ફેક્ટરી માલિક વિરેન પટેલની ધરપકડ કરી છે.
દાદરા નગર હવેલીમાં પડી હતી રેડ
થોડા સમય પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા દાદરા નગર હવેલીમાં આવેલી 'વંદના ફેક્ટરી' પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ફેક્ટરીમાં મોટા પાયે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (નાયલોન માંજા) બનાવવામાં આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસની આ રેડ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 2.33 કરોડ રૂપિયાની કિંમતનો ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વાપીનો વિરેન પટેલ હતો ફરાર
પોલીસના આ દરોડા બાદ ફેક્ટરીનો માલિક અને મુખ્ય આરોપી વિરેન પટેલ, જે વાપીનો રહેવાસી છે, તે પોલીસની પકડથી બચવા માટે ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધવા માટે સતત તપાસ ચલાવી રહી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ અંતે વિરેન પટેલને દબોચી લીધો છે.
પોલીસ તપાસ અને આગામી કાર્યવાહી
વિરેન પટેલની ધરપકડ બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ફેક્ટરીમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ગુજરાતના કયા કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતો હતો? આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે? વિરેન પટેલ કેટલા સમયથી આ ગેરકાયદેસર વ્યવસાય સાથે જોડાયેલો હતો?
આ પણ વાંચો: 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કરોડોની રોકડ જપ્ત