સંદેશ ડિજીટલના માધ્યમથી દર રવિવારે પોલીસ પંચાતના માધ્યમથી અને જમતા સુધી અમે એ ખાસ વાતો પોલીસ સહિત તંત્રના ધ્યાન પર લાવતા હોય છે કે જે ચર્ચામાં હોય અથવા તો જેણે ચર્ચા ઉભી કરી હોય. પોલીસ પંચાતનો હેતુ ક્યારેય કોઈને નીચે દેખાડવાનો નથી રહ્યો પણ જે ભુલ કરીને પણ આંખમાં આંખ નાંખવા માંગતા હોય તેને અસલીયત બતાડવાનો જરૂર છે. વાંચો શું ખાસ છે આ વખતની પોલીસ પંચાતમાં..
PI તો વહિવટદાર રાખે છે, પરંતુ આ ઝોનના PSIએ વિસ્તારના "દર્શન" કર્યા અને વહિવટદારને ગુલાબનું ફૂલ આપ્યું
અમદાવાદ શહેર કે જયાં પોલીસ કોન્સ્ટેબલ હોય, પીઆઈ હોય કે ઉચ્ચ અધિકારી હોય, તેમને નોકરી કરવાનું એક સ્વપ્ન હોય છે, પરંતુ પોલીસ સ્ટેશનના ખર્ચા અને પીઆઈની વર્ધી પૂરી કરવા માટે વહિવટદારોનું રાજ છે, જે ચાલ્યું આવ્યું છે અને ચાલું જ રહેશે, મહત્વની વાત તો એવી છે કે, આપણે સાંભળ્યું છે કે, પીઆઈના વહિવટદાર હોય છે, પરંતુ એરપોર્ટની નજીક આવેલા એક એલસીબી ઝોનના પીએસઆઈએ બુમ પડાવી દીધી હોવાની વાત સામે આવી છે, આ પીએસઆઈએ વહિવટ હાથ પર લેતા પહેલા "દર્શન"કર્યા હતા અને સૂત્રો તરફથી એવી પણ વાત સામે આવી છે કે, આ પીએસઆઈને ઉચ્ચ અધિકારી જેટલો પાવર છે હવે પાવર પાવરને ખેંચે તેમ બીજુ શું શું ખેચી લાવશે તે તો ખબર નથી.
દારૂની જનતા રેડના મેસેજને લઈ એક PIને કેબિનમાં પરસેવો છૂટી ગયો, વહિવટદારને કહ્યું જયાં દારૂ વેચાતો હોય ત્યાં બંધ કરાવો
સોશિયલ મીડિયામાં અમુક મેસેજ ઘણા સમયથી વાયરલ થઈ રહ્યાં છે કે, સ્થાનિકો જનતા રેડ કરશે, ત્યારે પશ્ચિમ વિસ્તારમાં અને શાંત ગણાતા પોલીસ સ્ટેશનમાં પણ એક એવો મેસેજ મળે છે કે, સ્થાનિકો જનતા રેડ કરવાના છે, ત્યારે આ મેસેજ પોલીસ ઈન્સ્પેકટર સુધી પહોંચે છે અને તેમને કેબિનમાં પરસેવો છૂટી જાય છે, ત્યારે આ મેસેજને લઈ વહિવટદાર પણ દોડતો થયો હતો, જોકે ફેક મેસેજ હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ પીઆઈને લીંબું પાણી પીવું પડે તેવી સ્થિતિનું સર્જન થયું હતુ.
કૃષ્ણનગર, આનંદનગર અને આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ટૂંક સમયમાં મૂકાઈ શકે છે નવા પીઆઈ
ઘણા સમયથી અમદાવાદ પોલીસ બેડામાં 3 પોલીસ સ્ટેશન ઈન્ચાર્જમાં ચાલે છે, જેના કારણે ઈન્ચાર્જ પીઆઈને કામનું ભારણ વધ્યું છે, ત્યારે 3 પોલીસ સ્ટેશન ઈન્ચાર્જમાં ચાલે છે જેમાં ટૂંક સમયમાં ઉચ્ચ અધિકારી કાયમી પીઆઈની નિમણૂંક કરશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે, ત્યારે શહેરમાં કંટ્રોલ રૂમ અને એજન્સીમાં રહેલા પીઆઈને પોલીસ સ્ટેશન ફાળવવામાં આવશે તેવી વાત સામે આવી છે, તો બીજી તરફ આંનદનગર પોલીસ સ્ટેશન માટે મહિલા પીઆઈ પણ પ્રયત્નો કરી રહ્યાં છે, જોકે એક મહિલા પીઆઈને આનંદનગર પોલીસ સ્ટેશન મળે તેને લઈ એક વહિવટદારે ધારાસભ્યના પગ પણ પકડયા હોવાની વાત પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે.
અમદાવાદના PI ઉત્તમ કામગીરી કરો, નહીંતર આ કારણોસર તમારી બદલી પણ કંટ્રોલ રૂમમાં આવી શકે છે !
સૌરાષ્ટ્રના એક જિલ્લામાં એસપીએ નવો નિર્ણય કર્યો કે, જે પીઆઈ અથવા તો પીએસઆઈ સરખી કામગીરી નથી કરતા તો તેની બદલી કરી નાખો પણ બદલી ત્યારે જ કરવી કે જે પીઆઈની વિસ્તારમાં અને ડિટેકશનમાં કામગીરી નબળી હોય, ત્યારે અમદાવાદ શહેરમાં આ ફોર્મ્યુલા કામ કરે તો નવાઈ નહી, ઉત્તમ અને સારી કામગીરી કરનાર પીઆઈને A-B ગ્રેડ મળી શકે છે અને નબળી કામગીરી કરનાર પીઆઈને C-D ગ્રેડ મળી શકે છે, અમદાવાદ શહેરમાં પણ ભલામણ-ભેદભાવ વગર માત્ર પર્ફોર્મન્સના આધારે બદલીઓ થઈ શકે છે તેવી પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. પોલીસકર્મીઓની કામગીરીનું મૂલ્યાંકન કરીને તેના આધારે સૌથી મોટી એટલે સામુહિક બદલીઓ કરવામાં આવે છે. પોલીસ ખાતામાં તેને સામાન્ય રીતે બે રીતે જોવામાં આવે છે : (1) પોલીસ સ્ટેશનનું ગ્રેડિંગ અને (2) વ્યક્તિગત કર્મચારીનું પરફોર્મન્સના આધારે ગ્રેડ આપીને બદલીઓ કરવામાં આવે છે.
સાયબર ક્રાઇમના વ્યાપને નાથવા અમદાવાદ શહેર પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ માટે બનાવ્યું સાઈબર ટ્રેનિંગ સેન્ટર
સાઇબર ક્રાઇમના વ્યાપને નાથવા, અમદાવાદ શહેર પોલીસનાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સતત બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ મળી રહે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ શાખા ખાતે ટ્રેનિંગ સેન્ટર બનાવાવામાં આવ્યું, અમદાવાલ શહેર પોલીસ અતિ આધુનિક ટેકનોલોજીથી માહિતગાર બને તથા ટેકનિકલ ઈન્ટેલીજન્સની પોલીસ અધિકારી તથા કર્મચારીઓને તાલીમ આપી, વર્તમાન તથા ભવિષ્યના સાયબર ક્રાઈમના પડકારો સામે તથા ગુના ડિટેક્શનમાં કૌશલ્ય વર્ધન કરી સુસજ્જ થવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદની મેઘાણીનગર પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો, આરોપીએ મરણજનારને ચાકુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો