રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટતાં ક્રમશઃ વીજળીની માગમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.એક સમયે વર્તમાન સીઝનમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો એ વખતે વીજળીની ડિમાન્ડ વધી હતી.ગત વર્ષે પિક સમયે નોંધાયેલી સૌથી વધુ 26600 મેગાવોટની માગ જો કે ચાલુ સિઝનમાં હજી પાર કરવામાં આવી નથી.મંગળવારે પિક સમયે રાજ્યમાં વીજળીની મહત્તમ માગ 26200 મેગાવોટ નોંધાઈ હતી.
હજી મહત્તમ વીજ ફાળવણી રાજ્યને મળતી નથી
આકરા તાપ અને દરિયાકાંઠાનું પવનનું વધતું જોર વીજ ઉત્પાદનમાં ફાયદારૂપ બની રહ્યું છે. રાજ્યના સોલર એકમોનું ઉત્પાદન મંગળવારે અંદાજે 8 હજાર મેગાવોટ અને પવન ઊર્જા એકમો તરફથી ઉત્પાદન 3700 મેગાવોટ જેટલું મળ્યું હતું. તાતાની કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ સાથે થયેલા નવા કરાર પછી તાતા કંપની તરફથી હજી મહત્તમ વીજ ફાળવણી રાજ્યને મળતી નથી.મંગળવારે આ કંપની સામે માંડ 1000 મેગાવોટ વીજળી પ્રાપ્ત થઈ હતી.
