ગીરના સિંહોમાં બેબીસીયાનો રોગચાળો પ્રસરતાં ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહોના મોતની ઘટનાથી વનવિભાગમાં દોડધામ મચી છે.અન્ય સિંહોમાં આ રોગ ના ફેલાય તે માટે વનવિભાગ દ્વારા ગીરના સિંહોનું સ્ક્રીનીંગ કરવાની કામગીરી કરવા ટીમો ઉતારવામાં આવી છે.ખાસ કરીને સૌથી વધુ અસરગસ્ત જણાતા જામવાળા બાબરિયા અને જશાધાર રેંજમાં અધિકારીઓએ પડાવ નાખીને અશક્ત, નબળા જણાતા સિંહોના સેમ્પલીંગ પ્રક્રિયાને વેગ આપ્યો છે.
પીસીસીએફ જયપાલસિંઘે સમગ્ર બાબતની પુષ્ટી કરી
2018માં જે રીતે ગીરના સિંહોને સીડીવી અને બેબીસીયા રોગના વાયરસે ભરડો લીધો હતો અને અનેક સિંહોના ટપોટપ મોત થયા હતા, તેવો જ વાયરસ હાલ ફરીથી ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહોમાં જોવા મળ્યો છે.ખાસ કરીને અહીંના ગીર પૂર્વના ધારી જશાધાર રેંજ અને ગીર પશ્ચિમના જામવાળા અને બાબરિયા રેંજમાં છેલ્લા એક મહિનામાં અનેક સિંહોના મોત થયાનું સામે આવ્યું છે. ગઈકાલે આ વાતની પુષ્ટી કરતા પીસીસીએફ જયપાલસિંઘએ જણાવેલું કે,ત્રણ સિંહબાળ સહીત પાંચ સિંહના મોત થયા છે.જેમાં બેબીસીયા નામનો રોગ હોવાનું માનવામાં આવે છે.
