અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર બ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ મહાનગરપાલિકા (AMC) દ્વારા કામગીરી પૂર્વે પૂરતો અભ્યાસ ન કરાતાં નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મકરબા અને વેજલપુર બુટ ભવાની મંદિર નજીક ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટ્સમાં AMCના આયોજનના અભાવે કામ ખોરંભે ચઢ્યું છે. મકરબા વિસ્તારમાં રેલવે સાથેના સંકલનના અભાવે બ્રિજનું કામ અટવાયું છે. જ્યારે બુટ ભવાની મંદિર ખાતે તો AMCની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે.

ધારાસભ્યની રજૂઆતો બેઅસર

બ્રિજની ડિઝાઇન તૈયાર કર્યા બાદ જ્યારે પિલ્લર બનાવવાનું શરૂ કરાયું, ત્યારે મનપાને ખ્યાલ આવ્યો કે નીચેથી જૂની ડ્રેનેજ, સ્ટોર્મ વોટર અને વોટર લાઈન પસાર થઈ રહી છે. આ લાઈનોનું સમારકામ કર્યા વિના કામ આગળ વધી શકે તેમ ન હોવાથી છેલ્લા દોઢ વર્ષથી બ્રિજની કામગીરી બિલકુલ ખોરંભે ચડેલી છે. જોકે, બ્રિજનું કામ અઢી વર્ષ પહેલાં શરૂ કરાયું હતું. ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા સંકલન બેઠકોમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ ગંભીરતાથી કામગીરી ન કરતા હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.