દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા શહેરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. શહેરની વિનાયક સોસાયટીમાં રહેતા લોકો વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, બે જૂથના લોકો વચ્ચે અપશબ્દો બોલવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ અને બંને જૂથો સામ-સામે આવી ગયા હતા.
નજીવી બાબતે મોટો વિવાદ
આ બનાવને પગલે સોસાયટી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. આ મારામારીની ઘટના બાદ પોલીસે બંને જૂથના બે શખ્સો સામે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે, અને મારામારીના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
