માર્ગ, રેલ અને સમુદ્રી પરિવહન વચ્ચે સંતુલન સાધતા અનેક દેશો હવે ઓછી કિંમત, ઓછું કાર્બન ઉત્સર્જન અને ઉચ્ચ કાર્યક્ષમતા જેવા કારણોસર રેલ આધારિત લોજિસ્ટિક્સને પ્રાથમિકતા આપી રહ્યા છે. ભારતમાં પણ આ પરિવર્તન સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. સડક પરિવહન પરની અતિ નિર્ભરતા ઘટાડતાં, ભારતીય રેલ્વેએ (ખાસ કરીને અમદાવાદ રેલ મંડળે) કારોના પરિવહનમાં પોતાની હિસ્સેદારી છેલ્લા એક દાયકામાં 1% થી વધારીને 24% થી વધુ કરી છે.


ભારતમાં રેલ દ્વારા કાર પરિવહન: એક દાયકાનું તુલનાત્મક વિશ્લેષણ

ભારતમાં અગાઉ મોટાભાગની કારોનું પરિવહન માર્ગ દ્વારા (ટ્રક દ્વારા) કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લા દસ વર્ષોમાં ભારતીય રેલ્વેએ રેલ આધારિત ઓટોમોબાઇલ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે.

2013 પહેલાંની સ્થિતિ (લગભગ 2010–2013)

•રેલ હિસ્સેદારી (Rail Share): લગભગ 1% થી 1.5%

•માર્ગ હિસ્સેદારી (Road Share): લગભગ 98%

•વાર્ષિક પરિવહન: આશરે 40,000 - 60,000 કાર પ્રતિ વર્ષ

•મુખ્ય અવરોધો : મર્યાદિત ઓટોમોબાઇલ વેગન, ખાનગી રેલવે સાઇડિંગનો અભાવ અને કંપનીઓની ટ્રકો પર નિર્ભરતા.

મારુતિ સુઝૂકી જેવી અગ્રણી કંપનીઓ પણ માર્ગ પરિવહનને જ પ્રાથમિકતા આપતી હતી.

•વર્તમાન સ્થિતિ ( 2023-2025 )

•રેલ હિસ્સેદારી: 20% થી 24% સુધી

•રેલ દ્વારા પરિવહન: આશરે 10 લાખ (1 મિલિયન) થી વધુ કારો પ્રતિ વર્ષ

•વૃદ્ધિ: 2013ની સરખામણીએ આશરે 20 ગણી ઐતિહાસિક વૃદ્ધિ

આ અભૂતપૂર્વ વૃદ્ધિના મુખ્ય કારણો

01-AFTO યોજના: ‘ઓટોમોબાઇલ ફ્રેટ ટ્રેન ઓપરેટર’ યોજના હેઠળ ખાનગી કંપનીઓને વિશેષ વેગન ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી.

02-આધુનિક વેગન (NMGH અને BCACBM): વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા આ વેગન એક જ ટ્રેનમાં 250 થી 300 કારો પરિવહન કરવાની ક્ષમતા ધરાવે છે.

03-ઇન-પ્લાન્ટ સાઇડિંગ્સ: ગુજરાત (હંસલપુર), માનેસર અને ચેન્નાઈ જેવા ઓટોમોબાઇલ હબમાં સીધી પ્લાન્ટ સુધી રેલવે લાઇન બિછાવવામાં આવી છે.

04-કિફાયતી અને હરિત: માર્ગ પરિવહનની સરખામણીએ રેલ પરિવહન 15–20% વધુ સસ્તુ છે અને તેમાં 60–70% ઓછું કાર્બન ઉત્સર્જન થાય છે. SIAMઅનુસાર : ભારતમાં દર વર્ષે લગભગ 45–50 લાખ કારોનું ઉત્પાદન થાય છે રેલ્વેનો લક્ષ્ય 2030 સુધી પોતાની હિસ્સેદારીને 35% સુધી લઈ જવાનો છે.

ગુજરાત રેલ પ્રોજેક્ટ: અમદાવાદ રેલ મંડળ માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલ મંડળ હેઠળ હંસલપુર (ગુજરાત) ખાતે આવેલ પ્લાન્ટ રેલવે સાઇડિંગ પ્રોજેક્ટ હવે વૈશ્વિક સ્તરે એક બેન્ચમાર્ક બની ગયો છે. આ પ્રોજેક્ટને ‘Verra Carbon Standard’ હેઠળ વિશ્વનો પ્રથમ “Modal Shift Transportation Project” તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

રેલ આધારિત લોજિસ્ટિક્સને પ્રોત્સાહન

•ગુજરાતના હંસલપુર સ્થિત આ રેલવે સાઇડિંગ અમદાવાદ મંડળ હેઠળ સંચાલિત રેલ નેટવર્ક સાથે જોડાયેલ છે. તેના માધ્યમથી મોટા પ્રમાણમાં વાહનોનું પરિવહન રેલ દ્વારા શક્ય બન્યું છે, જેના પરિણામે રેલવેની માલવહન ક્ષમતા, કાર્યક્ષમતા અને ઉપયોગિતામાં નોંધપાત્ર વધારો થયો છે.

•પર્યાવરણીય લાભ: આ પ્રોજેક્ટ દ્વારા લગભગ 1.7 લાખ ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થવાનો અનુમાન છે.

•આવકમાં વધારો: આથી અમદાવાદ મંડળના માલવહન આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

•કાર્યક્ષમતા: રેલ પરિવહન માર્ગ પરિવહનની તુલનામાં 15–20% સસ્તુ છે તેમજ 60–70% ઓછું કાર્બન ઉત્સર્જન કરતું માધ્યમ છે.

પ્રધાનમંત્રી ગતિ શક્તિ અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટીને પ્રોત્સાહન

આ પ્રોજેક્ટ PM ગતિ શક્તિ હેઠળ વિકસિત મલ્ટી-મોડલ અવસંરચનાનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં રેલવે લોજિસ્ટિક્સની કેન્દ્રીય અને અસરકારક ભૂમિકા છે. તેના પરિણામે ઔદ્યોગિક વિસ્તારોને ઝડપી, સરળ અને એકીકૃત કનેક્ટિવિટી પ્રાપ્ત થાય છે. માલવહન આવક અને પરિચાલન કાર્યક્ષમતામાં વધારો

ઔદ્યોગિક રેલવે સાઇડિંગથી

* રેલવેના માલ આવક (Freight Revenue) માં વધારો થાય છે.

* માર્ગો પર ટ્રાફિકનું દબાણ ઓછું થાય છે.

* લોજિસ્ટિક્સ વધુ ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય બને છે.

અમદાવાદ મંડળ માટે મોડેલ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ ભવિષ્યમાં અન્ય ઔદ્યોગિક એકમો માટે પણ પ્રેરણાસ્રોત સાબિત થશે. તેના પરિણામે અમદાવાદ રેલ મંડળમાં વધુ પ્રાઈવેટ ફ્રેઇટ ટર્મિનલ અને રેલવે સાઇડિંગના વિકાસની સંભાવનાઓ મજબૂત બનશે, જેના કારણે પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.

નીતિગત સુધારા: સફળતાનો મુખ્ય આધાર

•ભારતીય રેલવેએ ઉદ્યોગ સાથે સતત સંવાદ જાળવી રાખ્યો તેમજ AFTO (Automobile Freight Train Operator) યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કર્યા:

•લઘુત્તમ શરતોમાં રાહત: રેકની લઘુત્તમ સંખ્યા 3 થી ઘટાડીને 1 કરવામાં આવી અને નોંધણી ફી ₹5 કરોડથી ઘટાડીને શૂન્ય કરવામાં આવી.

•આધુનિક વેગનો: NMGH અને BCACBM જેવા વિશેષ વેગનોની તૈનાતી, જે એક ટ્રેનમાં 250–300 કારો વહન કરી શકે છે.

•ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT): દેશભરમાં 108 GCT કમિશન કરવામાં આવ્યા છે, જેમાં ₹8,049 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

•નવા લોડિંગ સ્ટેશનો: ચાપાનેર, ચરોડિ (WR), નાસરાળા (NR), પેનુકોન્ડા (SWR) અને પૂર્વોત્તર (NFR) સહિત અનેક નવા સ્ટેશનો જોડવામાં આવ્યા.

‘ગ્રીન લોજિસ્ટિક્સ’ના મોડેલ

2013 સુધી રેલની હિસ્સેદારી માત્ર 1% હતી, જે આજે 20 ગણો વધીને 24% થી વધુ થઈ ગઈ છે. આ પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમ અને રેલવેની ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ નીતિઓનું પરિણામ છે. અમદાવાદ રેલ મંડળ માટે આ ઉપલબ્ધિ માત્ર આવકમાં વૃદ્ધિનું પ્રતિક નથી, પરંતુ ‘ગ્રીન લોજિસ્ટિક્સ’ તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ છે. માર્ગથી રેલ તરફનો આ ‘મોડલ શિફ્ટ’ આર્થિક રીતે લાભદાયી હોવા ઉપરાંત પર્યાવરણને અનુકૂળ પણ છે. અમદાવાદ રેલ મંડળના નેતૃત્વ હેઠળ ગુજરાતના ઓટોમોબાઇલ હબ હવે વૈશ્વિક સ્તરે ‘ગ્રીન લોજિસ્ટિક્સ’ના મોડેલ તરીકે ઉભરી રહ્યા છે.


આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ દાદાને કેસુડાના ફૂલનો શણગાર કરાયો, ધાણી, ખજુર અને ડાળિયાનો અન્નકૂટ ધરાવાયો



  • Follow us on: