રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે લોકોને મોટી રાહત આપતા સમાચાર આપ્યા છે. આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાંશ્રય યાદવના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 30 મે થી 2 જૂન સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થશે

આ વરસાદી માહોલ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જોકે, સૌથી રાહતની વાત એ છે કે, આગામી બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી મોટી મુક્તિ મળશે. બીજી તરફ, અરેબિયન સમુદ્રમાં ચોમાસા માટે સાનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે, જે આગામી ચોમાસાના વહેલા આગમનના સંકેત આપે છે.

તારીખ પ્રમાણે કયા જિલ્લામાં છે વરસાદની આગાહી?

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે જિલ્લાવાર યલો એલર્ટ અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

30 મે: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી.

31 મે: કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ.

1 જૂન (સૌથી વધુ અસર): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ.

2 જૂન: સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે.

આ આગાહીના પગલે ખેડૂતોને પણ પોતાના પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા અને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો - Gujarat Weather: સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત, બફારો યથાવત રહેવાની શક્યતા