સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે ગરમીનો પારો ફરી ઉંચકાતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે, આગામી શનિવારથી ચોમાસાની ગતિવીધી શરૂ થઈ જશે. સોમવારથી અમરેલી અને ભાવનગર પંથકમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો કે, રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જામનગર, સોમનાથ, જુનાગઢ. બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાથી આ વિસ્તારમાં બફારો યથાવત રહેવાની શક્યતા છે.

ગરમીના પારામાં ફરી બે ડિગ્રીનો વધારો થયો

આજે ગરમીના પારામાં ફરી બે ડિગ્રીનો વધારો થયો છે. રણકાંઠાના સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ સ્થિર થયો હોય તેમ સતત બીજા દિવસે ૪૪ ડિગ્રી તાપમાનથી લોકો અકળાયા હતા. જ્યારે અમરેલીમાં 42.1, ભાવનગરમાં 41.7, કંડલા એરપોર્ટમાં 40.6, ભુજમાં 39.2, કેશોદમાં 37.4, જનાગઢમાં 37.6, નલિયામાં 35.3 પોરબંદરના મહુવામાં 35, ઓખામાં 34.2, દીવ અને વેરાવળમાં 34.0, દ્વારકામાં 32.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શહેરીજનો આકરા તાપથી આકુળ-વ્યાકુળ બન્યા

રાજકોટ શહેરમાં પણ તાપમાન ઉંચકાયું હતું ગરમીનો પારો ફરી 43.3 ડિગ્રીએ પહોચી જતા શહેરીજનો આકરા તાપથી આકુળ-વ્યાકુળ બન્યા હતા તે સાથે ગરમ પવનનું જોર પણ યથાવત રહ્યું હતું. સાંજે 12 કિલોમીટરની ઝડપે ગરમ લુ ફુંકાવાના કારણે શહેરીજનો મોડી સાંજ સુધી ઘરમાં પુરાયા હતા.ગરમીનો પારો ઉંચકાતા શહેરના એક ડઝન જેટલા વિસ્તારોમાં પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો હતો તેમાં ભાવનગર રોડ, રેસકોર્ષ રીંગરોડ, મહિલા કોલેજ, આજીડેમ, ગ્રીનલેન્ડ, જામટાવર, દેવપરા, અટીકા, સોરઠીયા વાડી. નાનમવા. પ્રદ્યુમનપાર્ક, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Mehsana News: 5 લાખ દૂધ ઉત્પાદકોને દૂધ સાગર ડેરીની ભેટ, પ્રતિ કિલો ફેટના ભાવમાં 25 રૂપિયાનો વધારો