અમદાવાદ શહેરમાં ગત 15 એપ્રિલે ગીતા રાજ પૂરોહિત નામની મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી. તેના પરિવારજનોનો એવો આક્ષેપ છે કે, ગીતાએ આપઘાત નથી કર્યો પણ તેની હત્યા કરી દેવામાં આવી છે. આજે રાજસ્થાનથી તેના પરિવાર સહિત સમાજના લોકો આવ્યા હતાં અને શહેરમાં વાસણા પોલીસ સ્ટેશન પાસે ધરણાં કરીને બેઠા હતાં. આ લોકોએ ગીતાનો પતિ પોલીસ કર્મચારી હોવાથી પોલીસ તેને બચાવતી હોવાનો આરોપ લગાવ્યો છે.ગીતા રાજપૂરોહિતના સમાજની માગ છે કે, સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાય.
રાજપૂરોહિત સમાજની દીકરી ગીતાએ જીવન ટૂંકાવ્યું
અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનની બહાર રાજસ્થાનથી આવેલા ગીતા રાજપૂરોહિતના સમાજના લોકો ધરણાં પર બેઠા હતાં. પોલીસની નજર સામે જ દેખાવો કર્યા હતાં. ગત 15 એપ્રિલે રાજપૂરોહિત સમાજની દીકરી ગીતાએ જીવન ટૂંકાવ્યું હતું. ગીતાના ભાઈ નાથુસિંહે કહ્યું હતું કે, પોલીસ આ કેસમાં ગીતાના પતિ અર્જુનસિંહને બચાવી રહી છે. કારણ કે અર્જુનસિંહ પોલીસ કર્મચારી છે. ગીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, અર્જુનસિંહ ગીતાને દહેજની માગને લઈને મારપીટ કરતો હતો.
