સ્માર્ટ સિટી અમદાવાદના પોશ વિસ્તારોમાં ગાર્ડન અને લેકની જાળવણીમાં તંત્રની ભારે ઉદાસીનતા સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ગોટીલા ગાર્ડનમાં મુલાકાતીઓ પાસેથી એન્ટ્રી ફી વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના અભાવે સહેલાણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


લેક ગાર્ડન છે પણ પાણી જ ગાયબ!

ગોટીલા ગાર્ડનની સૌથી મોટી વિશેષતા તેનું લેક (તળાવ) છે. પરંતુ હાલમાં આ લેક શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.મુલાકાતીઓનું કહેવું છે કે જો લેકમાં પાણી ભરવામાં આવે તો ગાર્ડનની સુંદરતામાં અનેકગણો વધારો થાય, પરંતુ તંત્ર પાણી ભરવામાં જ નિષ્ફળ રહ્યું છે. લેકમાં પાણી ન હોવાથી આખું ગાર્ડન ઉજ્જડ જેવું ભાસી રહ્યું છે, જે પ્રવાસીઓ માટે નિરાશાજનક છે.

રૂ. 10 ની ટિકિટ, પણ સુવિધા ક્યાં?

ગાર્ડનમાં પ્રવેશવા માટે મુલાકાતીઓ પાસેથી રૂ. 10 ની ટિકિટ વસૂલવામાં આવે છે. પૈસા ચૂકવ્યા હોવા છતાં લોકોને પાયાની સુવિધાઓ માટે વલખાં મારવા પડે છે. મુલાકાતીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે ગાર્ડનના શૌચાલયોમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી. પોશ વિસ્તારના ગાર્ડનમાં આટલી ગંદકી અને પાણીનો અભાવ તંત્રની બેદરકારી છતી કરે છે. ગાર્ડનના બાંકડા, ફૂટપાથ અને ગ્રીનરીની જાળવણી પણ યોગ્ય રીતે થતી નથી તેવી ફરિયાદો ઉઠી છે.

આ પણ વાંચો: Jamnagar: સરકારી ખરાબામાં 66 પ્લોટ પાડી વેચી મારવાનું કૌભાંડ ઉઘાડું, 6 ભૂમાફિયા સામે ગુનો

  • Follow us on: