કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં બાળકોના માનસિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત સંવેદનશીલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. “રમશે બાળક, ખીલશે બાળક” નામ હેઠળ ચાલતા આ અભિયાનમાં અમદાવાદના બોપલ ખાતે આવેલા આરોહી બંગલોઝ ખાતે એક વિશેષ રમકડાં સંગ્રહ (Toy Collection) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાતે ઉપસ્થિત રહીને બાળકો અને વાલીઓ પાસેથી રમકડાં એકત્રિત કરવાનું સેવાનું દાયિત્વ સંભાળ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન
આ પ્રસંગે મીડિયા અને સ્થાનિક નાગરિકોને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, "આ આપણા સાંસદ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ભારે સંવેદનાસભર કાર્યક્રમ છે અને તેનો ઉદ્દેશ્ય ખૂબ જ ઉમદા છે. સામાન્ય રીતે મધ્યમ કે ઉચ્ચ વર્ગના બાળકો જે રમકડાંથી રમી ચૂક્યા હોય છે અથવા જે રમકડાં ઘરમાં એમનેમ પડ્યા રહે છે, તેને એકઠા કરીને સરકારી આંગણવાડીઓ અને ગરીબ વસાહતોના બાળકો સુધી પહોંચાડવાના છે જેથી દરેક બાળક રમી શકે અને ખીલી શકે."
