અમદાવાદ શહેરમાં BRTS કોરિડોરમાં વાહનો ઘૂસી જવાના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા ડી-માર્ટ (D-Mart) પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાડજ તરફથી પૂરઝડપે આવી રહેલી એક BRTS બસે બાઇકને અડફેટે લઈને કચડી નાખી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઇક સીધી બસની નીચે આવી ગઈ હતી અને તેના પર સવાર બે યુવકો જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.


બંને યુવકોની હાલત અત્યંત નાજુક

અકસ્માતમાં બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બાઇક ચલાવી રહેલા થાનસિંગ ઉર્ફે અર્જુન ચૌહાણ નામના યુવકને માથા તેમજ મોઢાના ભાગે કમકમાટીભરી ગંભીર ઇજાઓ થઈ છે. બાઇક પાછળ બેઠેલા પ્રકાશ નામના અન્ય એક યુવકની હાલત પણ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.


ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


CCTV ફૂટેજમાં ખુલાસો: BRTS ટ્રેકમાં ઘૂસતા જ કાળ ભેટી ગયો

આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેનો પ્રાથમિક ખુલાસો આસપાસના સીસીટીવી (CCTV) કેમેરા ચેક કરતા થયો છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બાઇકચાલક પ્રતિબંધિત એવા BRTS ટ્રેક (કોરિડોર)માં અચાનક અંદર પ્રવેશ્યો હતો. આ જ સમયે ટ્રેક પર સ્પીડમાં આવી રહેલી બસ બાઇક પર ફરી વળી હતી.


પોલીસે બસ ડ્રાઇવરની કરી અટકાયત

અકસ્માતની જાણ થતાં જ B ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત સર્જનાર BRTS બસના ડ્રાઇવર શૈલેષકુમાર ડામોરની અટકાયત કરી લીધી છે. પકડાયેલો ડ્રાઇવર ઓઢવ BRTS ડેપોમાં ફરજ બજાવે છે અને તે મૂળ શામળાજી તાલુકાના મેરાવાળા ગામનો વતની છે. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad-ગાંધીનગરમાં પારો 43 ડિગ્રી, જાણો 22 મેથી કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ?