ગુજરાતમાં આજે ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે.હવામાન વિભાગે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે.રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેતા રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.રાજકોટમાં માત્ર ઊંચું તાપમાન જ નહીં પરંતુ પ્રતિ કલાક 26 Kmની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યા હતા. આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી કરવામાં આવી છે.રાજકોટમાં પણ મહાનગર પાલિકાએ ગરમીની એડવાઈઝરી બહાર પાડી છે.
રાજ્યમાં ગરમીથી આંશિક રાહત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ગરમીમાં આંશિક રાહત રહેશે. ઉકળાટ વધશે અને રાત્રે ગરમ પવન ફૂંકાશે. તાપમાનનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચશે. અમદાવાદમાં આજે 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પવનોની દિશા બદલાતા ઉકળાટની અસર વર્તાશે. સૌરાષ્ટ્રમાં તાપમાન 43 ડિગ્રી રહેશે. બીજી તરફ રાજકોટમાં પણ મહાનગર પાલિકાએ ગરમીને લઈ એડવાઈઝરી બહાર પાડી છે. બપોરે એકથી ચાર વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે. હળવા અને આછા કલરના કપડાં પહેરવાની પણ અપીલ કરાઈ છે. લોકોને તરબૂચ,ટેટી, ગોળ, લીંબુ સરબતનું સેવન કરવા સૂચન કરાયું છે. શ્રમિકોને બપોરના સમયે કામ નહીં કરાવવા પણ સૂચના આપવામાં આવી છે.













