અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં આજે સવારના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોલેરા રોડ પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ વ્યક્તિઓ ધોલેરા તાલુકાના ભાણગઢ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

સવારના સમયે સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી વિગતો મુજબ, આ અકસ્માત સવારે 9:00 થી 10:00 વાગ્યાના અરસામાં ધોલેરા રોડ પર સર્જાયો હતો. રાહતળાથી એલ એન્ડ ટીના પહેલા નાકા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા વાહનો વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં એક વાહન પલ્ટી મારી ગયું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી

અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. મૃતક અને ઇજાગ્રસ્તો ભાણગઢ ગામના હોવાથી ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહી

અકસ્માતને કારણે ધોલેરા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ક્રેઈનની મદદથી વાહનોને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: રાજદીપ નામના યુવકે નશાની હાલતમાં સગીરાની છેડતી કરી, જયશ્રી રામ બોલવા દબાણ કર્યું