ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી (SOG) એ સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં દરોડા પાડીને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનું નશીલું દ્રવ્ય કબજે કર્યું છે.

ખેતરની ઓરડીમાં ચાલતું હતું નેટવર્ક

ઘટનાની મળતી માહિતી અનુસાર, SOG ને બાતમી મળી હતી કે સાણંદના લોદરીયાળ ગામમાં ખેતરની એક ઓરડીમાં ડ્રગ્સનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા ત્યાંથી 64 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 1.92 લાખ થાય છે. પોલીસે સ્થળ પરથી નરેશભાઈ ઉર્ફે ગોપાલભાઈ કોળી પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે.

કૂલ રૂ. 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી આ ડ્રગ્સનો જથ્થો વેચાણ કરવાના ઈરાદે સંગ્રહ કરી રહ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત વજન કાંટો, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી વિરૂદ્ધ ચાંગોદરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદના અન્ય કયા વિસ્તારોમાં તેને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં હવે પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે.


આ પણ વાંચો - Gujarat Weather Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે, ગરમીની સાથે ઉકળાટમાં વધારો થશે