ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ગરમી તોબા પોકારાવી રહી છે. રાજ્યમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.14થી 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે. દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં ગરમ પવનોને કારણે ગરમીમાં વધારો થશે. રાજ્યમાં ગરમીની સાથે ઉકળાટ પણ વધશે.

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ઉકળાટની અસર વર્તાશે. ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ 36.3, સુરેન્દ્રનગર 35.8, અમદાવાદ 35.8, ભુજ 35.6, ગાંધીનગર 35.2 ,કંડલા 35.6 વડોદરા 34.6 અને સુરત 32.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવનાઓ છે. લઘુતમ તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા ઉકળાટની અસર વર્તાશે.


આ પણ વાંચોઃ Gujarat News: ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આવતીકાલે ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના