અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદોમાં આવી છે. જેલની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતા આ કિસ્સામાં, જેલના 'છોટા ચક્કર' વોર્ડમાં ફરજ બજાવતા જેલ સહાયક ભરતભાઈ ચાવડા પર ચાર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલા પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે જેલ કર્મીએ કેદીઓને જેલની અંદર ગાળો બોલવાની ના પાડી હતી.

ગાર્ડનમાંથી ઈંટ ઉપાડી માથામાં ઝીંકી

મળતી માહિતી મુજબ, જેલ સહાયક ભરતભાઈ જ્યારે પોતાની ફરજ પર હતા ત્યારે ચાર કેદીઓ ઉગ્ર ગાળાગાળી કરી રહ્યા હતા. ભરતભાઈએ તેમને અટકાવતા કેદીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાર્ડનમાંથી ઈંટના ટુકડા ઉપાડી તેમના માથાના ભાગે ઝીંક્યા હતા. હુમલો એટલો જોરદાર હતો કે ભરતભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બહાર જોઈ લેવાની આપી ધમકી

હુમલો કર્યા બાદ પણ કેદીઓએ પોલીસ સ્ટાફને ખુલ્લેઆમ "બહાર જોઈ લેવાની" ધમકીઓ આપી હતી. આ ઘટનાને પગલે જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે.

હુમલો કરનાર કેદીઓના નામ

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સંગ્રામસિંહ શીકરવાર, સનિપ ઉર્ફે સની પટણી, લખમણ ઉર્ફે પોપટ હડિયોલ અને અંકિત લોધીએ આ હુમલો કર્યો હતો

પોલીસે તપાસ શરુ કરી

રાણીપ પોલીસે આ ચારેય કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ ઘટનાએ સાબરમતી જેલની આંતરિક સુરક્ષા અને કેદીઓમાં પોલીસના ડર અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.


આ પણ વાંચો----     Gandhinagar : પોલીસ હવે આરોપીઓને મુર્ગો નહીં બનાવી શકે, જાહેરમાં સરઘસ કાઢવા, કાન પકડાવવા કે ઉઠક-બેઠક કરાવવા પર લાગી રોક