ગુજરાતમાં હવે ગુનેગારોને જાહેરમાં શાન ઠેકાણે લાવવાની પોલીસની જૂની પદ્ધતિઓ પર બ્રેક લાગી ગઈ છે. રાજ્યના ડીજીપી (DGP) એ તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને એક કડક લેખિત આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ, હવે રાજ્યમાં કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં કે તેની સાથે અમાનવીય વ્યવહાર કરી શકાશે નહીં.
DGP ડો. કે. એલ. એન. રાવનો કડક આદેશ
તાજેતરમાં જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આરોપીની ધરપકડ બાદ તેને જાહેરમાં પરેડ કરાવી શકાશે નહીં. પોલીસની જવાબદારી રહેશે કે આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે કે તપાસના કામે લઈ જતી વખતે હિંસક ટોળાઓથી સુરક્ષિત રાખવામાં આવે. આરોપી સાથે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરવાને બદલે તેનું આત્મસન્માન જળવાય તેવો વ્યવહાર પોલીસ અધિકારીઓએ કરવો પડશે
કયા પ્રકારના વર્તન પર પ્રતિબંધ મુકાયો?
નવા આદેશ મુજબ, પોલીસ હવે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકશે નહી તથા આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક નહી કરાવી શકે અથવા ઘૂંટણીએ ચલાવી નહી શકે. આરોપીને જાહેરમાં લાત કે લાકડીથી માર મારી નહી શકે. ઉપરાંત આરોપી પાસે જાહેરમાં હાથ જોડાવવા કે કાન પકડાવી માફી પણ મંગાવી નહી શકે
હાથકડીના ઉપયોગ માટે નવા નિયમો
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 મુજબ હવે માત્ર ગંભીર ગુનાઓ જેવા કે આતંકવાદ, ડ્રગ્સ, હત્યા, બળાત્કાર અથવા જે રીઢા ગુનેગારો હોય તેમના કિસ્સામાં જ હાથકડીનો ઉપયોગ કરી શકાશે. અન્ય સામાન્ય ગુનાઓમાં હાથકડી પહેરાવવા માટે મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. જો કોઈ અધિકારી કે કર્મચારી આ સૂચનાઓનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સંબંધિત વિસ્તારના DCP, SP કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવશે.
આરોપીને જાહેરમાં મુર્ગો નહી બનાવી શકે
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ અને માનવ અધિકારોને ધ્યાનમાં રાખીને DGP દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ પોલીસ અધિકારી આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે.
આ પણ વાંચો--- Ahmedabad : જ્વેલર્સ શોરૂમની મહિલાકર્મીએ જ 1.66 કરોડના દાગીના પર માર્યો હાથ, ચોરી કરતી CCTVમાં કેદ