અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વરવી વાસ્તવિકતા સામે આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે કે અનેક રમતગમતના મેદાનો હાલમાં બદતર હાલતમાં છે. ખાસ કરીને મેમનગર વિસ્તારમાં આવેલો ટેનિસ કોર્ટ હવે રમત માટે નહીં, પરંતુ વાહનોના પાર્કિંગ પ્લોટ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જે મેદાન પર ખેલાડીઓએ પરસેવો પાડવો જોઈએ, ત્યાં આજે ધૂળ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જે તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે.


ખેલ મહાકુંભના શહેરમાં ખેલ ખલાસ?

આ રિયાલિટી ચેક દરમિયાન એ પણ સામે આવ્યું છે કે ટેનિસ કોર્ટની ફરતે આવેલી સુરક્ષા જાળીઓ સંપૂર્ણપણે કાટ ખાઈ ગઈ છે અને અનેક જગ્યાએથી તૂટી પણ ગઈ છે. કોર્ટની આસપાસ ગંદકીના ઢગલા ખડકાયેલા છે, જેના કારણે ખેલાડીઓ માટે ત્યાં રમવું તો દૂર, ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ સુવિધાઓ જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહી છે. સ્થાનિક લોકો અને રમતપ્રેમીઓમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર તાત્કાલિક આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સમારકામ કરે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Gandhinagar News : તાંત્રિક-બિન તાંત્રિક પરીક્ષાના ગુણભારમાં ફેરફાર, રાજ્ય સરકારે પ્રશ્નપત્રનું નવું માળખું જાહેર કર્યું!

  • Follow us on: