અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી પ્રતિષ્ઠિત આઇકેડીઆરસી (IKDRC) એટલે કે કિડની હોસ્પિટલમાં બોગસ ભરતીનો મામલો ગરમાયો છે. 'સંદેશ' ન્યૂઝ દ્વારા આ કૌભાંડ અંગેના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હોસ્પિટલના તત્કાલીન નિયામક દ્વારા નિયમોને નેવે મૂકીને ડાયાલિસીસ ટેકનિશિયન તરીકે ત્રણ કર્મચારીઓની અનિયમિત રીતે નિમણૂંક કરવામાં આવી હતી. આ અહેવાલોની ગંભીરતાને ધ્યાને લઈને તંત્રએ તાત્કાલિક અસરથી આ ત્રણેય કર્મચારીઓની સેવા સમાપ્ત કરવાનો કડક નિર્ણય લીધો છે.


બોગસ ભરતીનો મામલો

ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવે અને લાયકાતના ધોરણોનું પાલન કર્યા વગર કરવામાં આવેલી આ નિમણૂંકોએ હોસ્પિટલના વહીવટી તંત્ર પર અનેક સવાલો ઊભા કર્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે આ ભરતીમાં યોગ્ય ભરતી સમિતિ કે જાહેરાત વગર જ મનસ્વી રીતે ઓર્ડર આપી દેવામાં આવ્યા હતા. હાલમાં આ ત્રણ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, પરંતુ આ કૌભાંડમાં અન્ય કયા મોટા અધિકારીઓની સંડોવણી છે અને ભૂતકાળમાં આવી રીતે કેટલા લોકોની ભરતી થઈ છે, તે અંગે તપાસનો વ્યાપ વધારવાની માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Surendranagar Land Scam : નાયબ મામલતદાર જેલ હવાલે, કલેક્ટર કચેરીના મોટા માથાઓના નામ ખુલ્યા!


  • Follow us on: