અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના સેટેલાઇટ જેવા હાઇપ્રોફાઇલ અને વ્યસ્ત વિસ્તારમાં આવેલી 'રત્નાકર-૩' નામની બિલ્ડિંગમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના એક ભાગમાંથી અચાનક ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાતા આસપાસના રહીશો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા અમદાવાદ ફાયર બ્રિગેડને આ અંગે માહિતગાર કર્યા હતા.
6 ગાડીઓ સાથે ફાયર ફાઇટરોએ મોરચો સંભાળ્યો
આગ હાઇરાઇઝ બિલ્ડિંગમાં હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ ગણીને એક પછી એક એમ કુલ 6 ફાયર ફાઇટરની ગાડીઓ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયરના જવાનોએ બિલ્ડિંગમાં પહોંચીને સૌથી પહેલાં અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી કરી હતી અને સાથે જ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી દીધી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.
