અમદાવાદના આંગણે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉમટેલી જનમેદનીએ પાટીદાર સમાજની એકતા અને શક્તિના દર્શન કરાવ્યા હતા.
પટેલ સમાજ એટલે સેવા અને રાષ્ટ્રનિર્માણનું પ્રતીક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજને સંબોધતા જણાવ્યું હતું કે, પટેલ સમાજ હંમેશા 'સેવા, સમર્પણ અને સહયોગ'ના સિદ્ધાંતો પર ચાલનારો સમાજ છે. તેમણે મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને આ સમાજે સાર્થક કર્યો છે.આપણે સૌ લોહપુરુષ સરદાર પટેલના વારસદારો છીએ, જેઓ આપણા માટે સમાજસેવાથી રાષ્ટ્રસેવાની પ્રેરણા છે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને 'એક પેડ મા કે નામ', 'કેચ ધ રેન' અને 'વોકલ ફોર લોકલ' જેવા અભિયાનોમાં જોડાઈને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
સેવા એ જ પરમો ધર્મ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાટીદાર સમાજના યોગદાનને બિરદાવતા કહ્યું કે, કુદરતી આફત સમયે આ સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે. જોકે, તેમણે એક સંવેદનશીલ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, બાળકો માટે લોહી-પરસેવો એક કરનારા માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાની ઘટનાઓ દુઃખદ છે. કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જે ગૌહત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારે છે.વ્યાજખોરોના નામે જનતાને હેરાન કરતા તત્વો સામે સરકાર કડક હાથે કામ લઈ રહી છે.
મહાનુભાવોનું બહુમાન
આ પ્રસંગે અનેક મહાનુભાવોનું સમાજ દ્વારા ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રીઓ કૌશિક વેકરિયા અને કમલેશભાઈ પટેલ
ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ
કાર્યક્રમના અંતે મા ખોડલ અને મા અન્નપૂર્ણાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી સહિતના તમામ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદની ભાવપૂર્વક સહભાગી થઈ હતી. સમાજના અગ્રણીઓએ તમામ મહેમાનોનો આભાર માન્યો હતો અને સમાજની ઉન્નતિ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: વડાપ્રધાનની જીવનયાત્રાનો ભવ્ય મ્યુઝિકલ શૉ, અમિત શાહે જણાવ્યું - 'આ માત્ર કાર્યક્રમ નહીં, ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે'