વિદેશ જવાની લાલચમાં લોકો હવે ગંભીર ગુનાહિત રસ્તાઓ અપનાવતા અચકાતા નથી. અમદાવાદમાં અમેરિકાના વિઝા મેળવવા માટે નકલી શૈક્ષણિક ડિગ્રી રજૂ કરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઘાટલોડિયાના એક યુવક અને તેને નકલી સર્ટિફિકેટ પૂરા પાડનાર મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

વિઝા માટે નકલી ડિગ્રી રજૂ કરવાનું કૌભાંડ

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા જય પટેલ નામના યુવકે અમેરિકાના વિઝા મેળવવા માટે દૂતાવાસમાં અરજી કરી હતી. આ વિઝા પ્રક્રિયા દરમિયાન તેણે પોતાની શૈક્ષણિક લાયકાત સાબિત કરવા માટે 'રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ' ના નામની ડિગ્રી રજૂ કરી હતી. જોકે, દસ્તાવેજોની ચકાસણી દરમિયાન શંકા જતાં તપાસ કરવામાં આવી હતી, જેમાં આ ડિગ્રી સંપૂર્ણપણે નકલી અને બનાવટી હોવાનું બહાર આવ્યું હતું.

મહિલા એજન્ટની સંડોવણી

પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે આ નકલી ડિગ્રી બનાવવામાં તેને ધ્રુતી નામની એક મહિલાએ મદદ કરી હતી. ધ્રુતીએ જય પટેલને આ બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરી આપ્યા હતા જેથી તે વિઝા મેળવી શકે. ક્રાઈમ બ્રાન્ચે હવે આ બંને વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: કરજણના ચોરભુજ ગામે મગરની નિર્દયતાથી હત્યા, વન વિભાગે બે શખ્સોને દબોચ્યા