પર્યાવરણ અને જળચર સૃષ્ટિ માટે અત્યંત મહત્વના ગણાતા મગરની હત્યાની એક ચોંકાવનારી ઘટના વડોદરાના કરજણ તાલુકાના ચોરભુજ ગામમાં પ્રકાશમાં આવી છે. રાત્રિના અંધકારમાં મૂંગા પ્રાણીને મોતને ઘાટ ઉતારી દેવાના આ ગુનામાં વન વિભાગે બે સ્થાનિક શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મગરની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા
ચોરભુજ ગામના તળાવમાં રહેતા એક મગરની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. મગરને મારી નાખ્યા બાદ પુરાવાનો નાશ કરવાના હેતુથી તેનો મૃતદેહ તળાવમાં જ ફેંકી દેવામાં આવ્યો હતો. આ ચકચારી બનાવની જાણ થતાં જ કરજણ ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું હતું અને વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વન વિભાગની તપાસ અને ધરપકડ
વન વિભાગે ઝીણવટભરી તપાસ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ ક્રૂર કૃત્યમાં સંડોવાયેલા વિઠ્ઠલભાઈ કાભાઇભાઈ નાયક, બીપીનભાઇ રાવજીભાઈ નાયકબે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વન વિભાગના અધિકારીઓએ રાત્રીના સમયે જ તળાવમાંથી મગરનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મગરને નિર્દયતાથી મારી નાખ્યો હોવાનું ફલિત થયું છે.હાલમાં બંને આરોપીઓ વિરુદ્ધ વન્યજીવ અપરાધ હેઠળ ગુનો નોંધી જેલભેગા કરવામાં આવ્યા છે અને આ પાછળ તેમનો શું ઈરાદો હતો તે દિશામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Surendranagar: સાંકળી ગામે ઉપસરપંચના કથિત ત્રાસથી યુવાને જીવન ટુંકાવ્યું, પરિવારનો ગંભીર આક્ષેપ