અમદાવાદના હાર્દ સમાન એસ.જી. હાઈવે પર પીકઅવર્સ (વ્યસ્ત સમય) દરમિયાન લાગતી વાહનોની લાંબી કતારો અને ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહનચાલકોને મુક્તિ અપાવવા માટે એક મોટો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટ્રાફિક પોલીસ અને સુરતની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થા SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી) ના સંયુક્ત સર્વે બાદ આ વિસ્તારમાં નવું ટ્રાફિક મોડલ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
પાર્કિંગ હટાવી રોડ પહોળો કરાયો
આ નવા ટ્રાફિક આયોજન અંતર્ગત એસ.જી. હાઇવે પર આવેલા મોંઘા પેલેડિયમ મોલ પાસે આવેલા બ્રિજની નીચેની જગ્યામાં મોટો ફેરફાર કરાયો છે. અગાઉ તંત્ર દ્વારા આ બ્રિજ નીચે લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક ફિટ કરીને વાહનો માટે પાર્કિંગ પ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ, પીકઅવર્સમાં અહીં ટ્રાફિક બોટલનેક (ગૂંચવણ) સર્જાતી હોવાથી આ નવા પ્લાન મુજબ તમામ પેવર બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે અને તે જગ્યાને મુખ્ય રોડ સાથે જોડીને ડામર/સિમેન્ટનો નવો રોડ બનાવી દેવાયો છે જેથી વાહનો સરળતાથી પસાર થઈ શકે.
