અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓને પગલે સોલા સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી ઓપીડીમાં (OPD) કાર્યભાર વધ્યો છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં 10 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કુલ 15 જેટલા દર્દીઓ પતંગની દોરી વાગવાથી અથવા પતંગના કારણે સર્જાયેલા વાહન અકસ્માતને લીધે સારવાર માટે આવ્યા છે. તહેવારને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તબીબો અને નર્સિંગ સ્ટાફની ખાસ ટીમોને 24 કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
કાતિલ દોરીનો કહેર
ચિંતાજનક બાબત એ છે કે આ ઇજાગ્રસ્તોમાં બે માસૂમ બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ દોરીના કારણે ગંભીર રીતે ઘાયલ થયા છે. રસ્તા પરથી પસાર થતી વખતે દોરી ગળામાં કે મોઢા પર આવી જવાને કારણે મોટાભાગના વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. સોલા સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઘાયલ થયેલા તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર અને સર્જરી પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલ સત્તાધીશોએ નાગરિકોને અપીલ કરી છે કે ઉત્તરાયણના બીજા દિવસે પણ વાહન ચલાવતી વખતે ગળાના ભાગે સાવચેતી રાખવી અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું.
