જામનગર શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે પતંગની ઘાતક દોરીએ અનેક લોકોની ખુશીઓને ગ્રહણ લગાડ્યું છે. છેલ્લા 24 કલાકમાં જામનગરની સુપ્રસિદ્ધ જીજી હોસ્પિટલમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયેલા કુલ 14 કેસો નોંધાયા છે. તહેવારના માહોલમાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને પતંગ ચગાવતા લોકો દોરીની અડફેટે આવતા લોહીલુહાણ થયા હતા. આંકડાઓ દર્શાવે છે કે જેમ જેમ પતંગબાજીનો જોર વધ્યો, તેમ તેમ હોસ્પિટલમાં ઇમરજન્સી કેસોની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળ્યો છે.
પતંગબાજોની બેદરકારી?
નોંધાયેલા 14 કેસો પૈકી એક વ્યક્તિની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેના ગળાના ભાગે દોરી વાગવાથી ગંભીર ઇજાઓ પહોંચી છે. અન્ય ઘાયલોને પણ શરીરના વિવિધ ભાગો પર દોરી વાગવાથી નાના-મોટા ઘા પડ્યા છે, જે હાલ હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ આવી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ગળામાં મફલર પહેરવા અથવા વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવા અપીલ કરવામાં આવી છે જેથી આવી જાનલેવા ઇજાઓથી બચી શકાય.













