સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વ વચ્ચે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે, જેમાં પતંગની ઘાતક દોરીએ એક ૨૩ વર્ષીય યુવકનો ભોગ લીધો છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતો પ્રિન્સ બાથમ નામનો યુવક સાંજના સમયે પોતાની મોપેડ લઈને બહાર ફરવા નીકળ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની તીક્ષ્ણ દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી વેગથી વાગી હતી કે પ્રિન્સ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો. આ અકસ્માતને પગલે આસપાસના લોકો તરત જ તેની મદદે દોડી આવ્યા હતા.

પતંગની મજા લોહિયાળ બની

ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રિન્સને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા. જોકે, ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી અને વધુ પડતું લોહી વહી જવાથી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ કિસ્સાએ ફરી એકવાર ઉત્તરાયણ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નો ઊભા કર્યા છે.