ગાંધીનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જળજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં ટાઈફોઈડના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ટાઈફોઈડના નવા 3 કેસ નોંધાયા છે, જેને પગલે અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 221 પર પહોંચી ગયો છે. હાલમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 26 દર્દીઓ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં અશુદ્ધ પાણી જ આ રોગચાળાનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.
પાણીના સેમ્પલ ફેઈલ
તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 6873 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 136 સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા છે એટલે કે તે પાણી પીવાલાયક નથી. દૂષિત પાણીના કારણે ઘર-ઘરમાં ટાઈફોઈડના દર્દીઓ જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય તંત્ર દ્વારા પ્રદૂષિત પાણીની લાઈનો તપાસવાની કામગીરી તેજ કરવામાં આવી છે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા તથા આરોગ્ય બાબતે સાવચેતી રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે જેથી આ રોગચાળાને નિયંત્રણમાં લાવી શકાય.













