અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે ઝુંડાલ સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત એટીએસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.


અજાણ્યા વાહનની ટક્કર અને મોત

ઘટનાની મળતી માહિતી અનુસાર, ATSના ASI પોતાની બાઈક લઈને એસપી રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ઝુંડાલ પાસે એક અજાણ્યા વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, એએસઆઈ રોડ પર પટકાયા હતા અને કમનસીબે પાછળથી આવી રહેલા કોંક્રિટ ક્રશર મશીનના ટાયર નીચે આવી ગયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રાફિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક વ્યક્તિ પોલીસ વિભાગમાં અને તેમાં પણ એટીએસ જેવી મહત્વની શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.

એસપી રિંગ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો

આ અકસ્માતને પગલે એસપી રિંગ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે ટક્કર મારનાર વાહનની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરજ પરના એક નિષ્ઠાવાન પોલીસ કર્મીના અકાળે અવસાનથી તેમના પરિવાર અને સાથી કર્મચારીઓમાં ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

ફરજ પૂરી કરીને ઘરે ફરતા સમયે નડ્યો અકસ્માત

ઉલ્લેખનીય છે કે, મૃતક ASI અજીત નાંદે ATSમાં MT સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા. મૃતક અંજીદ નાંદે પોતાની ફરજ પૂરી કરીને નરોડા ઘરે પરત જઈ રહ્યા હતા, તે સમયે તેમને અકસ્માત નડ્યો હતો. જેમાં તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતની ઘટનામાં પ્રાથમિક તપાસમાં ડમ્પર ચાલકની કોઈ બેદરકારી ન હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad News: શહેરની અદ્રશ્ય સંસ્કૃતિને ઉજાગર કરતી પહેલ, ધ દૂરબીન જીવંત રાખે છે પોળથી પ્રજા સુધીનો વારસો


  • Follow us on: