યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરેલું અમદાવાદ માત્ર ઐતિહાસિક ઈમારતોનું શહેર નથી, પરંતુ સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને લોકજીવનનો જીવંત વારસો છે. આ અમૂલ્ય વારસાને ઓળખવા, સમજવા અને આગામી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી ધ દૂરબીન નામની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2012માં સ્થાપિત થયેલી ધ દૂરબીન અમદાવાદના જૂના શહેરના છુપાયેલા ઇતિહાસને જનમાનસ સુધી લાવવાનું કાર્ય કરે છે.ધ દૂરબીન સંસ્થાના સ્થાપક જણાવે છે કે,ઘણા અમદાવાદીઓ પોતાના જ શહેરના સાચા વારસાથી અજાણ છે.અમે એ અદૃશ્ય વારસાને દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
21થી વધુ પ્રકારની હેરિટેજ વોક્સ આયોજિત કરાઈ
ધ દૂરબીન દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદના પોળ વિસ્તારમાં 21થી વધુ પ્રકારની હેરિટેજ વોક્સ આયોજિત કરવામાં આવી છે.માણેકથી માણેક, મંદિરથી મસ્જિદ, હેરિટેજ ફૂડ વોક, નાઈટ હેરિટેજ વોક અને નવરાત્રી હેરિટેજ વોક જેવી પ્રવૃત્તિઓ દ્વારા 15મીથી 17મી સદીના ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય, પોળ સંસ્કૃતિ અને લોકપરંપરાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. હેરિટેજ વોક્સ ઉપરાંત ધ દૂરબીન દ્વારા અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ, કવિસંમેલન, વિસરાતી રમતો,ઓપન માઈક પોએટ્રી અને વારસા આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકો આ પ્રવૃત્તિઓમાં જોડાઈ ચૂક્યા છે.













