ગુજરાતના કલા જગતના બે દિગ્ગજ નામો દેવાયત ખવડ અને જીગ્નેશ કવિરાજ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન દેવાયત ખવડ દ્વારા જીગ્નેશ કવિરાજને ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે ખુલ્લું સમર્થન અને અપીલ કરવામાં આવી છે.
જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી દેવાયત ખવડની ઈચ્છા
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત મેદની વચ્ચે દેવાયત ખવડએ જીગ્નેશ કવિરાજને સંબોધતા જણાવ્યું હતું કે તેઓએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. એટલું જ નહીં, દેવાયત ખવડએ એવી પણ જાહેરાત કરી હતી કે જો જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડશે, તો તેઓ પોતે તેમના પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને તમામ પ્રકારે સહકાર આપશે. કલાકારોનો આવો પરસ્પર સહયોગ હવે રાજકીય વળાંક લે તેવી શક્યતા છે.
2022નો રાજકીય ભૂતકાળ
અત્રે ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ કવિરાજ માટે રાજકારણ નવું નથી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી વખતે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.તેમણે 2022માં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.જોકે, અંતિમ સમયે કોઈ કારણોસર તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું અને ચૂંટણી લડ્યા નહોતા.
શું જીગ્નેશ કવિરાજ ફરી મેદાનમાં ઉતરશે?
દેવાયત ખવડની આ અપીલ બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના કલાકારો અગાઉ પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવી ચૂક્યા છે, ત્યારે જીગ્નેશ કવિરાજ આ અપીલને ગંભીરતાથી લઈને આવનારી ચૂંટણીઓમાં કોઈ પક્ષ કે અપક્ષ તરીકે ઝંપલાવશે કે કેમ તે જોવું રહ્યું.આ નિવેદન બાદ લોકકલાકારોના વર્તુળમાં અને રાજકીય ગલિયારાઓમાં અટકળો તેજ બની છે કે શું આગામી સમયમાં કોઈ મોટી રાજકીય જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો: Valsad: નવનિર્માણ પાણીની ટાંકીનો સ્લેબ બનતા પહેલા જ ધરાશાયી, પાણીની નવી ટાંકી વિવાદના વમળમાં ફસાઈ