બાવળા-અમદાવાદ હાઈવે પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે. હાઈવે પર પસાર થઈ રહેલી એક ST બસ અચાનક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને બસમાં સવાર તમામ 20 મુસાફરો સુરક્ષિત રીતે બચી ગયા છે.

ST બસ ડિવાઈડર પર ચડી જતા અકસ્માત

મળતી માહિતી મુજબ, બાવળા-અમદાવાદ હાઈવે પરથી પસાર થઈ રહેલી ST બસ સામે અચાનક એક બાઈક ચાલક આવી ગયો હતો. આ બાઈક સવારને બચાવવા માટે બસના ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા બસને ફેરવી લેતા બસ સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગના કાચ તૂટી ગયા હતા અને બસને નુકસાન પહોંચ્યું હતું.

મુસાફરોનો આબાદ બચાવ

અકસ્માત સમયે બસમાં અંદાજે 20 જેટલા પેસેન્જરો સવાર હતા. અચાનક થયેલા આ અકસ્માતથી મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, પરંતુ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે બાઈક ચાલકનો પણ જીવ બચ્યો હતો અને તમામ મુસાફરો પણ હેમખેમ બહાર નીકળ્યા હતા. હાલમાં અકસ્માતગ્રસ્ત બસને હટાવવાની અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: બાયડ તાલુકાની આંબલિયારા ગ્રા.પં.ના તલાટીને ફરજ પરથી મોકૂફ કરી દેવાયા