આગામી હોળી અને ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી વતન જતાં શ્રમિકો અને ડાકોરના મેળામાં જતાં પદયાત્રીઓનો ધસારો પહોંચી વળવા માટે નિગમ દ્વારા હજારો વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
26 ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસોનો પ્રારંભ
તહેવારની રજાઓમાં અમદાવાદથી ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને ગોધરા તરફ જતાં મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા 26 ફેબ્રુઆરીથી જ વિશેષ બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવશે. નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં તહેવાર દરમિયાન કુલ 7,500 એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું છે.










