સુરતમાં આજથી જ્ઞાન અને સૌંદર્યનો મનોહર સંગમ રચાયો છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આયોજિત 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને 'ફ્લાવર શો'નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરદ હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરી સુરતીઓને અનોખી ભેટ આપી છે.
VNSGU કેમ્પસ બન્યું આકર્ષણનું કેન્દ્ર
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના વિશાળ કેમ્પસમાં આ બંને ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળ બાદ એટલે કે પૂરા 5 વર્ષ પછી સુરતીઓની સતત માંગને ધ્યાનમાં રાખીને પુસ્તક મેળાનું પુનઃ આયોજન કરાયું છે. 22 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ મેળો આગામી 1 માર્ચ સુધી ચાલશે.
દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી (અને આ વિસ્તારના લોકપ્રિય નેતા) હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પુસ્તક મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ફ્લાવર શોના અદભૂત ડેકોરેશનને પણ નિહાળ્યું હતું.
પુસ્તક પ્રેમીઓ માટે સુવર્ણ તક
આ પુસ્તક મેળામાં દેશભરના નામી પબ્લિશર્સ ભાગ લઈ રહ્યા છે, જ્યાં વાચકોને હજારો પુસ્તકોનું વૈવિધ્ય જોવા મળશે. બીજી તરફ, ફ્લાવર શોમાં અવનવા દેશી-વિદેશી ફૂલોનું પ્રદર્શન શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે આ જ્ઞાન-સૌંદર્યના ઉત્સવને માણવા ઉમટી પડશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Surat: દાંડી રોડ પર ખાનગી સ્કૂલ પાસે બેરીકેટ સાથે અથડાતા બાઇક સવાર આધેડનું મોત