શહેરના નરોડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ઘટના બની છે. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિક માથાભારે તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાનો લાભ લઈને મુખ્ય આરોપી ફરાર થઈ ગયો હતો, જોકે પોલીસે હુમલો કરનાર બે શખ્સોને દબોચી લીધા છે.


પોલીસ પર હુમલો કરી આરોપીને ભગાડ્યો

નરોડા પોલીસની ટીમ પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે તેના લોકેશન પર પહોંચી હતી. પોલીસ હજુ અનિલને પકડે તે પહેલા જ ત્યાં હાજર રહેલા અન્ય બે કુખ્યાત શખ્સો જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાને કારણે સર્જાયેલી અફરાતફરીની આડમાં આરોપી અનિલ ઉર્ફે કાલી પોલીસના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

વાહનોમાં તોડફોડ અને સ્થાનિક ભય

આરોપીઓ દ્વારા કરવામાં આવેલા આડેધડ પથ્થરમારામાં માત્ર પોલીસ જ નહીં, પરંતુ રસ્તા પર પાર્ક કરેલા સ્થાનિક રહીશોના વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. નરોડા પોલીસે તુરંત કાર્યવાહી કરીને પથ્થરમારો કરનાર જીગ્નેશ અને પ્રદીપની ધરપકડ કરી લીધી છે.

ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમની વિરુદ્ધ અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું અને આરોપીઓનો ડર દૂર કરવા માટે વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

આ પણ વાંચો: આટકોટ દુષ્કર્મ કેસ, માત્ર 34 દિવસમાં કોર્ટે નરાધમને દોષિત ઠેરવ્યો, 15મી જાન્યુઆરીએ સજાનું એલાન

  • Follow us on: