આટકોટના કાનપર ગામે 7 વર્ષની માસૂમ બાળકી પર અત્યંત ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાના કેસમાં રાજકોટ કોર્ટે ઐતિહાસિક ઝડપે ચુકાદો આપ્યો છે. 4 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં પોલીસે માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી, જેના આધારે કોર્ટે આજે આરોપી રેમસીંગ તેરસીંગને દોષિત જાહેર કર્યો છે. આ નરાધમને કેટલી સજા થશે તેનું એલાન આગામી 15મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.


આટકોટ દુષ્કર્મ કેસ

ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ કાનપર ગામે 7 વર્ષની બાળકી પોતાના ભાઈ-બહેનો સાથે રમતી હતી. ત્યારે ત્રણ સંતાનોનો પિતા એવો આરોપી રેમસીંગ મોટરસાઈકલ પર આવ્યો અને બાળકીનું અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે માસૂમ પર દુષ્કર્મ આચર્યું હતું અને ક્રૂરતાની હદ વટાવતા બાળકીના ગુપ્ત ભાગમાં 5 ઇંચનો લોખંડનો સળિયો ભરાવી દીધો હતો. બાળકીની ચીસો સાંભળી તેની મામી દોડી આવતા આરોપી નાસી છૂટ્યો હતો.

તબીબોએ બાળકીને નવજીવન આપ્યું

અતિશય રક્તસ્ત્રાવને કારણે બાળકીની હાલત અત્યંત નાજુક હતી. જસદણથી તેને રાજકોટ જનાના હોસ્પિટલ ખસેડાઈ હતી. ગાયનેકોલોજીસ્ટ અને રેડિયોલોજીસ્ટના અભિપ્રાય બાદ જટિલ ઓપરેશન કરીને તબીબોએ માસૂમનો જીવ બચાવ્યો હતો.

વૈજ્ઞાનિક પુરાવાઓએ આરોપીને ભીંસમાં લીધો

પોલીસે 8 ડિસેમ્બરે શંકાના આધારે રેમસીંગને ઝડપ્યો હતો. તપાસમાં નીચે મુજબના મજબૂત પુરાવા મળ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલા વાળના નમૂના આરોપીના DNA સાથે મેચ થયા હતા. આરોપીએ છુપાવેલો લોહીથી ખરડાયેલો સળિયો રિકવર કરાયો, જેના પરનું લોહી બાળકીનું હોવાનું સાબિત થયું.CDR રિપોર્ટ મુજબ આરોપીનું લોકેશન ઘટના સમયે કાનપર ગામમાં જ મળી આવ્યું હતું.

ઝડપી ન્યાયની મિસાલ

બાળકીના પિતાએ કોર્ટને પત્ર લખીને ઝડપી ટ્રાયલ ચલાવવા વિનંતી કરી હતી. પરિણામે, પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી અને કોર્ટે તમામ દલીલો સાંભળી માત્ર 34માં દિવસે આરોપીને ગુનેગાર ઠેરવ્યો છે.

આ પણ વાંચો:માંગરોળના હથોડામાં પેપર ગોડાઉનમાં ભીષણ આગ, મધ્યપ્રદેશના શ્રમિકના 6 વર્ષના માસૂમનું મોત, 5 કલાકે મળ્યો મૃતદેહ

  • Follow us on: