સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે એક અત્યંત કરુણ ઘટના બની હતી. ગામમાં આવેલા પેપર રોલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા રમી રહેલા બે બાળકો પૈકી એક બાળક અંદર જ ફસાઈ ગયો હતો. ફાયર વિભાગની 5 કલાકની ભારે જહેમત બાદ માસૂમ બાળકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


માંગરોળમાં આગની ઘટનામાં બાળકનું મોત

ઘટનાની વિગતો અનુસાર, હથોડા ગામમાં આવેલા પેપર રોલના ગોડાઉનમાં જ્યારે સવારે આગ લાગી ત્યારે ત્યાં શ્રમિક પરિવારના બે બાળકો રમી રહ્યા હતા. આગ લાગતાની સાથે જ જ્વાળાઓ વિકરાળ બનતા બંને બાળકો ગભરાઈ ગયા હતા. જેમાંથી એક બાળક સમયસૂચકતા વાપરીને દોડીને ગોડાઉનની બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો. પરંતુ કમનસીબે, રાહુલ ડામોર નામનો બીજો બાળક બહાર નીકળી શક્યો નહોતો અને આગની લપેટમાં આવી ગયો હતો.

5 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન અને કરુણ અંત

આગની જાણ થતા જ ફાયર ફાઈટરોની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પેપર રોલનો મોટો જથ્થો હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. આગ ઓલવ્યા બાદ ગુમ થયેલા રાહુલની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સતત 5 કલાકની શોધખોળ અને જહેમત બાદ ગોડાઉનના કાટમાળમાંથી રાહુલ ડામોરનો મૃતદેહ મળી આવ્યો હતો. માસૂમ પુત્રનો મૃતદેહ જોઈને પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.

શ્રમિક પરિવારનો કમાટીભર્યો કિસ્સો

મૃતક બાળક રાહુલનું પરિવાર મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાનું વતની છે અને આ વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતું હતું. કામ અર્થે ગુજરાત આવેલા આ પરિવારનો ઘરનો ચિરાગ આ દુર્ઘટનામાં બુઝાઈ ગયો છે.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન, અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય અપાઈ

  • Follow us on: