હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ગરમીમાં આજથી આંશિક રાહત મળશે. ગરમીમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા રાહત અનુભવાશે. આવતીકાલથી ફરી તાપમાનમાં બે ડિગ્રીના ઘટાડો થવાની શક્યતા વચ્ચે આકરી ગરમીમાં લોકોને રાહત મળે તેવા અણસાર મળી રહ્યા છે. અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનો પારો 42થી 43 ડિગ્રીને આંબી જતા લોકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગે ફરીવાર ગરમીમાં ઘટાડો થવાના સંકેત આપ્યા છે.
રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટશે
હવામાન વિભાગના ડાયરેકટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોવાથી ગરમી અને ઉકળાટની અસર રહેશે. રાજ્યમાં એકથી બે ડિગ્રી તાપમાન ઘટશે. 40થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શકયતાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં ચોમાસાની સ્થિતિ પણ સાનકૂળ રહેવાની સંભાવના છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ચોમાસું દેશમાં ક્રમશઃ આગળ વધી રહ્યું છે. હાલમાં ચોમાસાના આગમન માટેની તમામ સ્થિતિઓ એકદમ સાનુકૂળ બની રહી છે. આ બદલાવને કારણે આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ જોર પકડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ સેવાઈ રહી છે.
