દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં મોટા સુધારા તરફ આગળ વધી રહેલા 'વન નેશન વન ઇલેક્શન' (એક દેશ, એક ચૂંટણી) બિલ અંગે દેશભરમાં મંથન ચાલી રહ્યું છે. આ અંતર્ગત સંસદની સંયુક્ત સમિતિ (JPC) એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય અને જમીની સ્થિતિની સમીક્ષા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પહોંચી છે. સંસદમાં આ બિલ રજૂ થાય તે પહેલાં, તેને જેપીસી સમક્ષ મોકલવામાં આવ્યું છે, જે અંતર્ગત કમિટી વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહી છે.
પક્ષોના મંતવ્યોનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ આ મુલાકાત અંગે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, જેપીસીની ટીમ એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત આવી પહોંચી છે. દેશના તમામ રાજ્યોમાં જઈને આ સમિતિ સ્થાનિક પરિસ્થિતિ અને પક્ષોના મંતવ્યોનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી રહી છે. અત્યાર સુધીમાં દેશના 6 રાજ્યોમાં સમિતિ દ્વારા અભિપ્રાય લેવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવી છે.
તમામ પક્ષોના સૂચનો લેવાશે
આ પ્રક્રિયાની સૌથી ખાસ વાત એ છે કે, આ બિલ અંગે કોઈ એકપક્ષીય નિર્ણય લેવામાં નહીં આવે. લોકશાહીના મૂલ્યોને જાળવી રાખવા માટે સમિતિ તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે અને તેમના વિશેષ સૂચનો તેમજ અભિપ્રાયો મેળવશે. આ તમામ પક્ષોના મંતવ્યોને એકત્રિત કરીને એક સંયુક્ત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ ફાઇનલ રિપોર્ટ લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) સમક્ષ રજૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી સાથે હાઈલેવલ બેઠક
ગુજરાત પ્રવાસ દરમિયાન સમિતિના સભ્યો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ એક ઉચ્ચ સ્તરીય મુલાકાત કરશે. આ બેઠકમાં ગુજરાતની ભૌગોલિક અને વહીવટી સ્થિતિને ધ્યાનમાં રાખીને એકસાથે ચૂંટણીઓ યોજવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શન બિલને લઈને ચાલી રહેલી આ પ્રક્રિયા દેશની ભાવી રાજનીતિ માટે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો---- Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર