અમદાવાદના મણિનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. નાસ્તાની લારી ચલાવતા એક યુવકે નાસ્તાના પૈસા માંગતા ઉશ્કેરાયેલા શખ્સોએ જાહેરમાં દાદાગીરી કરી લારી ચાલક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા લાઈવ દ્રશ્યો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયા છે, જેના આધારે મણિનગર પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.


લારી ચલાવનાર અને તેના મિત્ર પર કર્યો હુમલો

મણિનગરમાં નાસ્તાની લારી ચલાવતા દ્રષ્ટાંત મોદી અને તેના મિત્ર અભયસિંહ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આરોપીઓએ નાસ્તો કર્યા બાદ પૈસા આપવાને બદલે દાદાગીરી શરૂ કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ લારી ચાલકને જાહેરમાં ઢોર માર માર્યો હતો અને એટલું જ નહીં, લારી ચાલક પર રિક્ષા ચડાવી દઈને તેને જાનથી મારી નાખવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

મણિનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી

આ હિંસક હુમલામાં દ્રષ્ટાંત મોદી અને અભયસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે મણિનગરની એલ.જી. હોસ્પિટલ (LG Hospital) ખાતે ખસેડવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીઓ બેફામ બનીને મારપીટ કરતા અને રિક્ષા વડે હુમલો કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મણિનગર પોલીસે આ મામલે રાયોટિંગ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાહેરમાં બનેલી આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષ ફેલાવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: